અલૌકિક ગિરનારી સફર..
આ લેખ આમ તો લખીને કેટલાય દિવસથી તૈયાર હતો પરંતુ પછી મને વિચાર આવ્યો કે આ લેખમાં એક એવી વાત છે જે કદાચ મને ચાહનાર દરેકને અચંભિત કરશે. મારી “સોપારી મુકવાની માનતા” તો મારી નજીકની દરેક વ્યક્તિ, જે મને સારી રીતે ઓળખે છે એ બધા એમ જ કહેશે કે ભાઇ! પેલા એક મહિનો તો સોપારી વગર જવા દે, પછી આવી હોશિયારી કરજે. તો મેં આ લેખ લખીને તૈયાર રાખ્યો અને આજે પોસ્ટ કરું છું…
સોપારી મુકી તારીખ : ૩૧ ડિસેમ્બર, ૨૦૨૩ સવારે ૭ કલાકે
આજની તારીખ : ૧૧ ફેબ્રુઆરી, ૨૦૨૪
અલમોસ્ટ એક મહિના ઉપર ૧૧ દિવસ થઈ ગયા છે…ઓકે???
હવે વાંચો…
શીર્ષક : અલૌકિક ગિરનારી સફર
જયારે આખી દુનિયા, તમારા નજીકના દરેક વ્યક્તિ તમને હારેલા જોવા માંગતા હોય, તમારા પર હસવા માંગતા હોય (સિવાય મારો શિવમ) અને તમે ખુદ પણ તમને પોતાને હારેલા, થાકેલા, confused ગણતા હોય છતાં, એક સાહસ કરો ‘ને તમે જીતી જાવ, તો શું મહેસુસ થાય?? બસ આજે કંઈક આવું જ અનુભવ્યું… જયારે મેં ગિરનાર પર્વતના ૫૫૦૦ પગથિયાં ચડીને અંબાજી માતાએ પહોંચ્યો… What a nice feeling, I am top of the world!! જાણે સાચે જ માતાજીના ખોળે આવી ગયો હોય એમ સવારે ૪ વાગ્યે તેજસ ના ખોળામાં માથું મૂકીને મસ્ત સુઈ ગયો…
ઢળતી ઉંમરનો રંજ ના રખાય મનમાં,
સંધ્યાકાળ પછી જ ડાયરો જામતો હોય છે.
તમે ૪૨ વર્ષના હો, છેલ્લા ૧૫ વર્ષમાં કોઈ દિવસ અડધો કિલોમીટર પણ ચાલ્યા ના હોય ‘ને એક દિવસ અચાનક કોઈ આવીને તમને એમ કહે, “માસા, હાલો ને ગિરનાર જાયે?” તમારી શું પ્રતિક્રિયા હોઈ? હા, એ શિવમ! એને ખબર નહિ, મારામાં શું દેખાય! ૨૮ ડિસેમ્બર, ગુરૂવારે ઘરે આવ્યો ‘ને અચાનક કહે, “માસા! હાલો ને ગિરનાર જાયે? હું, ગુંજન, જયલો અને ઋષિ અમે શનિવારે રાત્રે ગિરનાર ચડવા જવાના…”. મેં કીધુ,’ શું છે પણ? પેલા તો મને હસવું આવ્યું ને મનમાં વિચાર આવ્યો કે હવે એ જમાનો ગયો દિકરા, જ્યારે અમે ડિસેમ્બરના બધા જ શનિ-રવિ ગિરનાર જાતા, ઘણું બધુ યાદ આવ્યું, ખુબ જ મજાની લાઈફ હતી એ કોલેજ લાઈફ, મારી બોર્ડીંગ લાઈફ, ખુબજ જલસા કર્યા છે, જીંદગીના શ્રેષ્ઠ વર્ષો મારા એ જ છે…’. “એ સમયે ઘણા બધા લોકો મારા પપ્પા ને કહેતા કે આ તમારો છોકરો સાવ રખડું છે. હા! સાચે હું હતો જ રખડુ. એ સ્વીકારી શકું, લાઈફમાં અત્યારે એટલો સક્ષમ થઈ ગયો છું. પપ્પાની ધારણા કરતા ઘણો આગળ છું. એટલે , હા! હું રખડું હતો, એનો સહજ સ્વીકાર કરું છું, કારણ કે હવે મારા પપ્પા મને ખીજાશે નહીં, એ વાત નો આનંદ છે!!!…હાહાહા”
આ શિવમ છે ને, એ કંઈક અલગ માણસ છે હો ભાઈ! એને મારામાં કંઈક અલગ જ શ્રધ્ધા છે, બસ એણે પ્રણ લીધું કે, “ના માસા! તમે ગિરનાર હાલો જ! બસ.” ૧૦૦, ૨૦૦, ૩૦૦ કે ૧૦૦૦ જેટલામાં પગથિયે એમ કે’શો કે હું થાકી ગયો, હવે નહીં ચડી શકું, અમે બધા તમારી સાથે ઉતરી જઈશું, બસ! અને આપણે રાજકોટ પાછા આવી જઈશું… next શનિવાર અમે પાછા જઈશું બાકી આ વખતે તમે અમારી સાથે આવો. તમે કે’શો એટલી વાર પોરો ખાતા-ખાતા ચડશું પણ બસ તમે આવો! મને વિશ્વાસ છે કે, તમે ગિરનાર ચડી જ શકશો. ‘ને હું તમને ઓળખું છું, હાલો ને યાર! મજા આવશે પ્લીઝ…એમ શું કરો હાલો ને યાર પ્લીઝ…”
મને સંકોચ એ હતો કે, બિચારા એ બધાને મારે લીધે પાછું આવી જાવું પડે એ કેવું યાર! મને એ ન મજા આવે, કે કોકની મોજ મારા લીધે બગડે. એ પણ જાણી જોઈને! અજાણ્યે તો આપણે ઘણાની બગાડતા જ હોઈએ છીએ!!! જાણી જોઈને બગડે એ ન ગમે. એટલે નેહાએ ‘ને મેં ચર્ચા કરી કે હું અત્યારે હા એ હા કરું છું, શનિવારે સાંજે ૬ વાગ્યે કંઈક એવું બહાનુ ગોતીશ કે હું ન જાવ, ‘ને એ લોકો મોજ થી ગિરનાર જઈ આવે, એટલે બધુ સચવાઈ જાય. ‘ને ખાસ તો શિવમને ખોટુ ન લાગે બસ. અમારે એને પાછું ખોટુ લાગે, એ પણ ખોટુ થાય, હાહાહા !!!!
આ પ્રમાણે નક્કી કરી ને અમે સુઈ ગયા, શનિવારના દીવસે હું ઓફિસ ગયો ‘ને બપોરે પુરી-શાક ખાતા ખાતા તેજસ ને યાદ કરતો હતો. ત્યાં જ મોબાઈલ વાઈબ્રેટ થયો ને કોનો કોલ?
હા તેજસ… “મોટા શું કરે?”
હું જરા હસ્યો…
તો ક્યે, “કાં હસે છે? બોલ ને, શું કરે?”
મેં કીધું, “again આપડી telepathy!!!”
ઈ ક્યે, “કાં?”
મેં કીધું, “હું પુરી શાક ખાવ ને તને યાદ કરું…”
તો કે , “ક્યાં ક્યાં? પોસ્ટઓફિસ હે?”
મેં કીધુ “હા!”
તો કે’, “ઓહ જબરુ છે… મોટા હવે સાંભળ , હું , શાલુ ને છોકરાવ અત્યારે જૂનાગઢ જાયે, તમે બંને ફ્રી હો તો આવો! મજા આવશે… શનિ-રવિ સાથે રહીયે…”
આપડે કહીયે ને, કે જો ભગવાનની મરજી હોય તો જ તમે એમના દર્શન કરવા પણ જઈ શકો !! જુઓ, આને કહેવાય ભગવાનની મરજી.. નો’તો ત્યાંથી આ વાતમાં તેજસ પ્રગટ થયો. હું તો હજી બહાનુ વિચારતો હતો કે શિવમ ને કઈ રીતે સંતોષજનક વાતથી ઠેકાડવો કે ભાઈ, હું નહિ આવી શકું. ત્યાં આ ગીરનારની કહાનીમાં નવો વળાંક આવ્યો. હવે મેં એક pause લીધો ને તેજસને કીધું કે એક વાત સાંભળ. તો કે’ બોલ, મેં કીધું કે જૂનાગઢ તો હું કદાચ આવુ જ છુ. તો કે’ કેમ?? મેં કીધુ આ શિવમ, ગુંજન ને શિવમના બીજા બે મિત્રો મને ધરારરરરરર ગિરનાર લઈ જાય છે.
તો ક્યે હાલો જાયે આમ પણ આપણે ૧૭-૧૮ વર્ષથી નથી ગયા. આવી જા, હું તારી સાથે આવીશ. પણ એક શરત જયાં તું કે હું થાકીએ ત્યાંથી આપણે બંને પાછા વળી જઈશું. છોકરાવ ને આગળ જાવા દે’શું. ઓકે? મેં કીધુ ગાંડા, deal done.
મે તેજસને ફોનમાં આખી વાત કરી કે હું શિવમને ઠેકાડવા બહાનુ શોધતો હતો કે, એને ખોટુ ન લાગે એ પ્રમાણે કેમ ઠેકાડું, કારણ કે યાર! એ લોકોએ એવુ નક્કી કર્યું, ને એના મિત્રોને પણ એવુ કઈ દીધું કે મંદાર માસા સાથે આવે છે. જો એ ગિરનાર ચડતા-ચડતા થાકી જશે તો આપણે return થઈ જઈશું. ને ફરી next શનિવારે પાછા જઈશું બોલ… આપણા લીધે એનો પ્રોગ્રામ થોડો બગાડાય?
તેજસ : ” નાના હું છું ને , ગાંડા! આપણે બે પાછા અને એ લોકોને આગળ મોકલી દે’શું. ચિંતા ન કર , હાલ તો ખરા! આપણી ફિટનેસ માપીએ, ૪૨ વર્ષના બુઢ્ઢા છીએ કે ૪૨ વર્ષના બાબલા ખબર તો પડે… હાહાહા”.
હાલ તું રાજકોટથી નીકળ એટલે કોલ કરજે. એટલે હુ તૈયાર રહીશ. એમ કહી ને તેજસ એ કોલ કટ કર્યો. મને સાચ્ચે, આમ અંદરથી એમ થયું કે જગદંબા ‘મા અંબા’ પણ એવુ ઈચ્છે કે હુ એક પ્રયત્ન કરું કદાચ ગિરનાર ચડી શકીશ. બાકી આવા સમીકરણો કોઈ રીતે શક્ય છે? તેજસ ગાંધીનગરથી આ જ શનિવારે જૂનાગઢ આવે અને અમે પણ આ જ શનિવારે ગિરનાર જવાનું નક્કી કરીએ, અને એનો કોલ, હું શિવમને બહાનુ આપુ એની ૪ કલાક પે’લા જ આવે. સાચ્ચે જ કુદરત તો છે યાર…. ને ભગવાન છે… હું માની ગયો. હવે તો જય ગિરનારીની હાકલ કરીને જવાનું જ હતું એ ફાઇનલ હતું.
મેં આ બધી વાત નેહાને કીધી, એને પણ શાંતિ થઇ કે તેજસ છે, તો ટેન્શન નહિ. મેં આ બધુ હજી મમ્મી- પપ્પાને નહોતુ કહ્યુ, કારણ કે જાવુ જ નો’તું તો શું વાત કરે!! પણ હવે તો જાવાનુ નક્કી. તો વિચાર્યુ કે ઘરે જઈને કહી દઈશ. પણ ઘરે પહોચું એ પહેલા તો નેહાએ કહી દીધું અને ઘરે જાતા વેત મમ્મીની સૂચનાઓ… but obvious છે. મમ્મી ને ચિંતા હોય જ, પણ પપ્પા એકદમ મસ્ત મને કે’ “જા જા ,મજ્જા કર બસ શરીર ના પાડે તો અટકી જાજે… બાકી જલસા કર…જા”.
શનિવારે સાંજે બરાબર ૭:૩૦ અયોધ્યા ચોક ઋષિ એની કાર લઇ ને આવશે. હું, શિવમ અને ગુંજન એમાં બેસીને નીકળશું એ ફાઇનલ થયું. ૨ બીજા મેમ્બર(જયલો અને તેજસ) અમને મજેવડી ગેઇટથી જોઈંટ કરશે એ પ્રમાણેના કોલ થઈ ગયા હતા. અમારી સવારી અયોધ્યા ચોક મસ્ત ચા પી ને ઉપાડી દે ધના ધન….
ઋષિ એક એવું કેરેક્ટર છે કે એના વિષે અલગ આખો લેખ થાય એમ છે. એટલે એ આમાં અમુક-અમુક વસ્તુ સમાવી શકાશે બાકી “ઋષિ ધ વોરિયર” નામે અલગ લેખ લખવામાં આવશે…
વચ્ચે એક જગ્યા એ ચા પીવા મેં કીધું રોક ક્યાંક સારી ચા પીયે તો જેતપુર પાસે રોકી હો, મને ક્યે માસા ભજીયા મસ્ત છે શું કરવું? હાલોને ખાયે થોડાક? મેં કીધું હાલો મંગાવો એમાં શું? ત્યાંતો થેપલા, દહીં, ભજીયા જમણવાર જ થઇ ગયો. ને પછી સોસીયો ને ફોતરાં વગરની સીંગ આપી ઓલા ભાઈએ તો ક્યે યાર ફોતરાં વાળી રાખોને એ મજા આવે ખાવાની… ટૂંકમાં અમે ચા પીવા રોકાયા પણ ચા સીવાય બધું કર્યું બસ ચા જ ના પીધી. હા હા હા અને કાર માં આખે રસ્તે સુગમ-સંગીત ને જોકસ સાંભળી ને જે મોજ કરી…
અમે એક્ઝેટ ૯:૩૦ મજેવડી ગેઇટ આવ્યા અને જયલો તો પેલેથી જ ત્યાં હતો. દીપ તેજસને લઇને આવતો હતો. હજુ એ રસ્તામાં હતા. અમે રાહ જોઇ રહ્યા હતા ત્યાં તો શિવમ ઉવાચઃ “માસા હું શું કવ.. હાલોને આંખમાં ટીપા નાખી દઉ..?” મને ડાબી આંખમાં થોડા દિવસથી ઇન્ફેકશન તો શિવમએ નેહા પાસેથી ટીપા પણ સાથે લઇ લીધા હતા બોલો.. કારમાં ડ્રાઈવરની બાજુની સીટમાં બેસાડીને ટીપા નાખી આપ્યા. ત્યાં દીપ અને તેજસ આવ્યા ને દીપનો સીધો સવાલ કાકા શું લાગે? મેં કીધું ૧:૩૦ સુધી જાગજે તું જો મારો કોલ આવે તો તળેટી આવી જજે મને ને તેજસ ને લેવા બાકી સુઈ જજે ને વિચારી લેજે કે કાકો અંબાજી પોંચી ગયો. તો ક્યે જય હો… એમ કરીને એ ગયો અને અમે ભવનાથ તળેટી તરફ પ્રયાણ કર્યું…
સીધા “બાલવી કૃપા”એ, ચા બાકી જ રહી ગયેલી તો પેલા તો ચા પીધી ગાડી પાર્ક કરીને ચાલીને લંબે હનુમાન પહોચ્યા અને દર્શન કર્યા.
અને હવે સફર ની શરૂઆત “ફર્સ્ટ સ્ટેપ ઓફ ગિરનાર” આફ્ટર સો લોન્ગ ટાઈમ. હું અને તેજસ ખુબજ એક્ષાઈટેડ હતા અને એક બીજાની સામે જોઈને હળવું સ્મિત કર્યું. ને જય ગિરનારીના ઉદ્ઘોષ સાથે ફર્સ્ટ સ્ટેપ માંડ્યું. અને એમ કરતા ૫૦માં પગથિયાં નું બોર્ડ આવ્યું અને મેં મસ્તી કરી કે હાલો બસ આટલું ઘણું. ત્યાંતો શિવમ ક્યે, “એ માસા લે કાં? ના હો હજી તો ૫૦ પગથિયાં જ થયા. આપડે આવા ૫૫૦૦ તો કન્ફર્મ ચડવાના છે અને મારૂ તો માનવું એમ છે કે તમે દતાત્રેય જઈ ને અમારી સાથે જ રીટર્ન થશો. પાક્કું…”
પછી તો ૧૦૦ પગથિયાં ૨૦૦ ને ૩૦૦ અમને લોકોને એમ હતું કે ફુલ ઠંડી હશે. તો મે આખી બાંયનું ટી-શર્ટ ને એના ઉપર સ્વેટર પેરીને ગિરનાર આરોહણ શરુ કર્યું હતું. ત્યાંતો ૩૦૦-૪૦૦ પગથિયાં ચડ્યાં અને ફૂલ ગરમી. અમારી હારે જે રૂષિરાજ બાપુ હતા ને તેમણે તો હળવે-હળવે પેલા ટોપી પછી સ્વેટર પછી ટી-શર્ટ ને છેલ્લેતો બુટ પણ કાઢી નાખ્યા હો.
ને મને પાછો ક્યે, “માસા આમ આપડે બેયએ તો આ ખોટા જ સ્વેટર લીધા તમે પણ સ્વેટર ને ટી-શર્ટ કાઢી જ નાખો. બાકી પગથિયાં નહિ ચડી શકો હો..”.અને મેં એની સલાહ ને માન આપ્યું. ખરેખર માત્ર ગંજી પહેરી ગિરનાર ચડવાનો આનંદ જ અનેરો છે હો! એ અનુભવ્યુ. ગુંજન અને જયલો બે જણ એવા હતા કે જે શાંતિ થી ગિરનાર ચડ્યે જતાં હતા બાકી હું ,બાપુ, તેજસ અને શિવમ તો ફુલ મસ્તી ને ફુલ મોજ માં હતા હો..
કદમ ઘાયલ, પવન સામો, સફર મારી પહાડી છે,
શિખર ને પાર કરવાની શરત મેં પણ લગાડી છે.
જયલો અમને ખબર નો હોય એમ ફોટા પાડે અને ગુંજન ઝડપથી ચડી આગળ જઈ ને પોરો ખાવાની જગ્યા ગોતે અને જો હું એની જગ્યા પેલા અટકી જાવ તો રાડ પાડે, “એ કાકા યાર! અહીં સુધી તો આવી જાવ. મેં કેવી મસ્ત જગ્યા ગોતી તમારા માટે. અહીં આવીને પાંચ મીનિટ પોરો ખાવ, મજા આવશે.”
આમ કરતા કરતા, હું હવે થાક અનુભવી રહ્યો હતો. પણ મારા બેટા મારી સાથેના એક પણ વ્યક્તિ એમ નહોતા કહેતા કે ભાઈ ના ચડી શકાય તો સ્ટોપ કરી દો. જેને પૂછું, એ મારો બેટો એમ જ ક્યે કે, અમને પણ થાક લાગે જ છે. પોરો ખાવને પાંચ મિનિટ આપડે ક્યાં ઉતાવળ છે? એમાં પાછો શિવમ! એને તો યાર શું હતું, કોણ જાણે? “ના માસા જુઓ અમે પણ તમારી જેટલાં જ થાક્યા છીએ, તો એમાં શું? આપણે એટલે જ એક કલાક વે’લા નીકળ્યા હતા કે આપડે ટાઈમ રહે. શાંતિથી બેસો, કોઈ ઉતાવળ નથી. હાલો ફોટા પાડીયે…હાહાહા”
આ વાર હવે જયલો બોલ્યો, “માસા, હાલો હવે આ વખતે તો તમે મોટો પોરો ખાઈ લીધો હો…” પછી છેક ૧૫૦૦માં પગથિએ મેં કીધું,” ભાઈ હવે કંઇક પીવું પડશે હો.” તો ત્યાં એક સરબત વાળા ભાઈ વચ્ચે આવ્યા, તો લીંબુ સરબત મંગાવ્યું ‘ને પીધું. પછી આગળ અગેઇન સ્ટાર્ટ. પણ એક વાત તો છે, કે આટલા વરસ પછી ગિરનાર જવું એ મારા માટે એક ચેલેંજ થી ઓછું ના હતું અને ખરેખર એમ જ લાગતું હતું, કે હું નહિ ચડી શકું હવે. પણ કોઈ એ કીધું છે ને કે…
“ઉમ્મીદ મત છોડો, જબ આપકો લગેગા કી અબ કુછ નહિ હો સકતા, તભી ચમત્કાર હોગા…”
અને સાચે એ ભાઈના લીંબુ શરબતે રંગ રાખ્યો, મારામાં કંઇક અલગ જ એનર્જી આવી ગઈ. ક્યારે ૨૦૦૦ ‘ને પછી ક્યારે ૨૫૦૦ પગથિયાં આવી ગયા ખબર જ ના રહી. ‘ને ૨૫૦૦માં પગથિયાં અગાઉ એક કાકાની દુકાન આવી. ત્યાં મસ્ત ચા ઉકળતી હતી. તો અમારો બાપુ (ઋષિયો) ક્યે, ” માસા સા…તો પીવી..ઝ..પડે..હો. એ કાકા! અમારા માસાને સા…પાવ, એને અમારે ગિરનાર સડાવવાના ઝ છે,ગમે ઈ થાય…”
અમે ચા પીતા પીતા ફોટા પાડતા હતા..જયલાનું એક જ કામ, જ્યાં સ્ટોપ લઇએ ત્યાં ફોટા પાડવા મંડે. આમ તો ખરેખર મને ઓળખે એ લોકો એમ જ બોલશે કે, ના હોય! મંદાર સાથે હોઇ ‘ને કોઇ બીજુ ફોટા પાડે, એ શક્ય જ નથી. સાચું છે, પણ આજે મારી ત્રેવડ નહોતી એટલે મારો ચાર્જ જયલાએ સંભાળ્યો હતો…તમારું ધ્યાન ના હોય ત્યાં ૨-૪ ફોટા પડી જ જાય ‘ને પછી તમને ક્યેય ખરો કે, માસા! હાલો ફોટા પાડીયે. આપડે પુછીયે કે તેં આ પાડ્યા તો ખરા! તો ક્યે, એ કેન્ડીડ કે’વાય માસા! આ તો આપડે “સ્માઈલ પ્લીઝ” બોલીને પાડવા હોય, તો પાડીયે એમ. વાહ મારો ફોટોગ્રાફર વાહહ…ધન્ય છે તને!
મેં મારો ફોન ત્યાં બાંકડા પર સાઈડમાં રાખેલો અને હું ચા પીતો હતો. તેજસને મેં કહ્યું મસ્ત ચા છે યાર!હજી એક કપ લઇ લે ને! મેં બે ચા પીધી ‘ને વાતુંમાં ફોન ત્યાં જ ભૂલી ગયો. તો ઓલા કાકા ક્યે “એ ભાઈ તમારો ફોન ભુલાઈ જાહે…” તો મેં ફોન લીધો, તો કાકા બોલ્યા કે “કાલે જ એક ભાઈ એનો ફોને ભૂલીને ૧૩૦૦ પગથિયાં ઉતારી ગયા. મને એના ફોનમાં ફોન કરીને ક્યે અહીં આવીને આપી જાવ ને? મેં કીધું ડોબા!! હું મારી દુકાન રેઢી મૂકીને તને ફોન દેવા આવું?!! તારે ઝોતો હોય તો આવીને લઇ ઝા, બાકી કાંઈ નહિ…હા હા હા”. આવી બધી વાતો ચાલતી હતી એમાં અમારો ઋષિયો ક્યે,”કાકા આ શું છે બરણી માં?” બરણીમાં કંઇક નાનખટાઈ જેવું ભર્યું હતું. કાકા ફુલ મોજમાં જ હતા, ઈ ક્યે “ભાઈ જો! મને ખબર નથી શું છે? પણ છોકરાવ મોજથી ખાઈ છે, તો આપડે વેચવા રાખ્યું છે. તારે ખાવું છે? તો લાઈવ ૧૦ રૂપિયા ને એક લઇ લે એમાંથી..” ઋષિ એ તો ૨૦ રુપિયા આપીને બે લીધા ને આગળ જઈને ખાતા ખાતા મને ક્યે, “માસા સે હારું હો.! પણ કાકા થોડાક ખુરાંટ હતા કે નઈ? મેં કીધું એલા એને રોજ આપડા જેવા હારે જ પનારો હોય એને ખુરાંટ થવું જ પડે…હાલ હવે ચડવા મંડ જલ્દી બાકી હું પાછો થાકી જઈશ…”
પછી તો ખબર નહીં! ૨૫૦૦માં પગથિયાથી એવી મજા આવવા લાગી કે થાકનુ જાણે નામો નિશાન નહોતું રહ્યું. વાતોમાં ને વાતોમાં ટાઇમ પસાર થવા લાગ્યો ‘ને પગથીયા જાણે સાવ સહેલા લાગવા માંડ્યા હતાં. ત્યાંથી નીચે જોઈએ તો જે નઝારો જુનાગઢ નો દેખાતો હતો… આહાહા! દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું. કેટલા વર્ષો પછી આ નજારો ફરીથી નરી આંખે જોઇ, હું ને તેજસ તો ભાવ-વિભોર થઇ ગયા. વર્ષો પહેલા અમે ગિરનાર આવતા અને આ જગ્યાએ ઉભા રહી અચુક ફોટા પડાવતા. અહીંથી જૂનાગઢની લાઈટનો જે નજારો દેખાય છે, એના મેં ખુબજ ફોટા લીધા છે.
હું આવી બધી જૂની વાતો કરતો હતો, ને જયલો હું જે કંઇ બોલું એના વિડિયો લીધા કરે બોલો! શિવમ તો પાછો એના કરતા એક સ્ટેપ આગળ આપણને એમ કહે “હાલો તમને ફોટો પાડી આપુ, એમ કરીને વિડીયો લઈ લે બોલો! ને પાછો તો ક્યેય ખરો કે, જયલો તો કેન્ડિડ ફોટા પાડે હું તો કેન્ડીડ વિડીયો લવ માસા.” ..હા હા હા
તેજસ અને હું બંને એક બીજા સામે જોઈને જે ખુશી અનુભવતા હતા, એ ફક્ત અમે બે જ સમજી શકતા હતા. ગુંજન એ વાતથી ખુશ હતો કે યાર કાકા એ હિંમત સારી દેખાડી હો! ને હવે એક પાટીયુ આવ્યું જેમાં લખ્યું હતું…
જૈન મંદિર – ૯૦૦
અંબાજી – ૧૯૦૦
દત્તાત્રેય – ૮૦૯૯
મે ત્યાં ઊભા રહીને એક ફોટો પડાવ્યો અને તેજસે મારી સામે જોઈને મસ્ત સ્માઈલ કરી. અમે બંનેએ મનમાં એક વાત ફાઇનલ કરી લીધી કે આપણે હવે સો ટકા અંબાજી પહોંચી જઈશું. કારણ કે હવે થાક નહોતો અનુભવાતો અને પવન પણ મસ્ત ઠંડો હતો. એટલે પહેલા જે ગરમી થયેલી એ હવે ઠંડી ઠંડી પવનની લેરખીના લીધે સાવ ગાયબ થઈ ગયેલી. વાતાવરણ ખૂબ જ ખુશનુમા થઈ ગયેલું. હવે અંદરથી એક ઉત્સાહ હતો ને ખુશી હતી કે હવે નહી વાંધો આવે!
આમ કરતા કરતા અમે જૈન દેરાસર આવી ગયા, ત્યાં તો અમારા બાપુ(ઋષિઓ) પરિસરમાં જ પુલપ્સ કરવા મંડ્યો.(સવારની એક્સરસાઇઝ યુ નો!?) મેં કીધું “ભાઈ, મારા વ્હાલા, શાંતિ રાખ જરાક,” તો ક્યે “ઓકે માસા તમે ક્યો એમ…સોરી.” જયલો ત્યાં પણ મસ્ત ફોટો પાડવામાં વ્યસ્ત હતો. ગુંજન મરક મરક હસતો હતો કે કાકા ફાઈનલી દેરાસર સુધી તો પહોંચ્યા હો! અને હવે શિવમ અલગ જ જોશમાં હતો. મને ક્યે “જોયું ને માસા, હું કે તો તો ને, આવી ગયું ને દેરાસર. હવે તો ખાલી ૧૦૦૦ પગથિયા રહ્યા. એટલે અંબાજી, ને ત્યાંથી તો દત્તાત્રેય, એ સામે દેખાય.તમે તો કેટલીય વાર ગયા છો, એટલે ક્યાં વાંધો છે. હાલો હાલો, હવે ક્યાં થાક લાગે છે તમને. હાલોને…જલદી કરો ને!”
અમે ફોટો સેશન પતાવીને દેરાસરથી આગળ ચાલતા થયા. ત્યાં તો સાઇડમાં એક માસી બેઠા હતા અને એની પાસે બે ત્રણ ગોળા આખા પાણીથી છલોછલ ભરેલા. દરેક આવતા જાતા લોકોને ગ્લાસ ભરીને પાણી આપે. ફ્રીમાં હો! અને જો કોઈ પાસે બોટલ હોય તો એ પણ ભરી આપે. ફ્રી માં હો! મને સાલ્લુ આ નવાઈ લાગી કે ઓલા ભાઈ નીચે લીંબુ શરબત એકના ૨0રુપિયા લીધા એનાથી આગળ ૧૦૦૦ પગથિયા ઉપર આવ્યા ત્યાં તો એ જ લીંબુ શરબત ના સીધા ૩0 રુપિયા થઈ ગયા, ને આ માસી કેમ ફ્રીમાં પાણી પાઇ રહ્યા હશે? તો મેં સહજ થઈને શિવમને પૂછ્યું કે, કેમ ફ્રીમાં પાણી? તો માસી જ બોલ્યા કે “બસ સેવા કરું છું મને ગમે છે”. બોલો સવારે ૩ઃ૨૦ નો ટાઈમ અને આવી કડકડતી ઠંડી!!!
આપણે જો ઘરે હોઈએ ‘ને આ ઠંડીમાં ઘરના કોઈ સભ્યને કહીએ કે, એક ગ્લાસ પાણી ભરી આપો ને! તો એ પણ રીતસર વડકુ જ ભરે હો! કોઈ આપણી ઘરે પણ પાણીના ગોળા સુધી જવા રાજી ના હોય ને આ માસી, આવી ઠંડીમાં છેક જૈન દેરાસર આવીને માણસોને ફ્રીમાં પાણી પાઈ છે બોલો! અને પાછા બોટલ ભરવી હોય તો પણ ના ન પાડે, અદભૂત!!!!!…આ જ તો મારા ગરવા ગિરનારની સાચી શક્તિ છે બાપ! આ દ્રશ્ય જોઈને, જે અંદરથી એક હાશકારો નીકળ્યો, કે આટલી ખરાબ દુનિયામાં હજી પણ સત્કર્મો અવિરત ચાલુ જ છે, ત્યાં સુધી માણસ જાત સલામત રહેશે, એમાં બે મત નથી. ધન્ય છે આ માસી!! મેં મનોમન પ્રાર્થના કરી કે, હે ભગવાન! માસીને આવા કાર્યો માટે શક્તિ આપજે. અમે યથા શક્તિ આર્થિક મદદ કરી તો માસી ક્યે ભાઈ! બસ આટલું તો તમે પાણી પણ નથી પીધું. મેં કીધું રાખો માસી, આવા કાર્યોમાં વાપરજો… જય ગિરનારી કહીને અમે આગળ ચાલ્યા.
પછી મે અને તેજસે શિવમ, ગુંજન, ઋષિ અને જય બધાને ઉભા રાખી, સમજાવ્યા કે હવે અમે બંને (હું અને તેજસ) અંબાજી પહોંચી જઈશું. તમે લોકો ફટાફટ, અમારી રાહ જોયા વગર દત્તાત્રેય માટે નીકળો. એટલે વળતી વખતે મોડું ન થાય. શિવમ હજી એક છેલ્લો પ્રયત્ન કરતો હોય એમ બોલ્યો અને હારે એનો સાથ આપવામાં ગુંજન પણ હતો. શિવમ : “માસા, મને વિશ્વાસ છે કે તમે દત્તાત્રેય સુધી આરામ થી આવી શકશો. હાલો ને યાર મજા આવશે.” ગુંજન : “કાકા હાલોને! આટલું મસ્ત થાક્યા વગર આવી ગયા, તો હવે ક્યાં જાજુ છે?”
પછી મે અને તેજસે એમને સમજાવ્યા કે, મોટા અમારે માટે અંબાજી પણ એવરેસ્ટ જ કહેવાય. એટ ધ એઈજ ઓફ ૪૨. માણસાઈ રાખો! કમંડળ કુંડે જો હું બેસી ગયો, કે હવે મારાથી એક ડગલું નહીં ચલાય! તો ઓલા ડોળીવાળા પણ મને જોઈને ના પાડશે કે આ ભાઈનું જોખમ અમે ના લઈએ હા હા હા. એના બદલે તમે લોકો ફટાફટ નીકળો અમે તમારી અંબાજી રાહ જો’શું. તમે આવશો પછી જ આપણે સાથે દર્શન કરશું એ પાકું પ્રોમિસ. તમે સાવ શાંતિથી જાજો ‘ને આવજો આપણે કાંઈ ઉતાવળ નથી. હું ને તેજસ અંબાજી મસ્ત આરામ કરી લેશું, ઓકે? માંડ માંડ માન્યા, ત્યાં તો ઓલો ઋષિઓ તો પાછો ક્યે “માસા, હાલોને અટકશો તો કાંઈક ટીંગાટોળીનું ગોઠવી નાખશું…એમાં શું હોય?” મેં કીધું “ના ભાઈ તમે જાવ, અમે તમારી રાહ જોઈએ. તો કે સારું હાલોને! અમે નીકળી જઈએ. જય ગિરનારી. અમે કીધું જય ગિરનારી. અંબે માત કી જય.” પછી હું અને તેજસ જરાક જ આગળ ગયા, ત્યાં ગૌમુખી ગંગા આવ્યું.
ત્યાં પણ પોરો ખાવાના બહાને મેં ફોટા પડાવ્યા…બસ, પછી તો સામે જ અંબાજી દેખાય. પણ બોસ, હજી એમ તો દિલ્હી દૂર હતું. હજી ૮૦૦ – ૯૦૦ પગથિયાં ચડવાના હતા અને એ પણ સાવ સીધા પગથિયા. ખૂબ જ થાકી જવાય ૧૫ – ૨૦ પગથિયાં ચડો, ત્યાં તો શ્વાસ ચડવા મંડે હો…પણ હવે એક શાંતિ એ હતી, કે છોકરાઓ અમારે લીધે હેરાન નહીં થાય.હું અને તેજસ કદાચ એકાદ કલાકે ૮૦૦ પગથિયાં ચડીએ, તો પણ કાંઈ ટેન્શન નહોતું.
ઘણા જુવાનિયાઓ અમારી હારે ચડતા હતા, તે લોકો પણ આ સીધા પગથિયા જોઈને પોરો ખાવા મજબૂર હતા. આમ ચડતા-ચડતા હવે ફક્ત ૪૦-૪૫ પગથિયાં બાકી હતા અને મેં કીધું “તેજસ, ભાઇ હવે દસ મિનિટ બેસવું હોય તો??” તેજસ ક્યે “હા હા, તું તારે અડધી કલાક બેસ, આપણે હવે શાંતિ જ છે. તને મજા આવે એમ. આપણે કોઈ ઉતાવળ નથી.” પણ મેં કીધું “તેજસ, હવે એવું લાગે કે નહીં ચડી શકાય યાર!, હવે નથી જાવું” . તો તેજસ તો ટેન્શનમાં આવી ગયો કે “એલા કાં? પહેલા આટલું આવ્યો તો હવે કેમ ના પાડે? હવે તો ૫૦ પગથિયાં જ છે. તું મસ્ત આરામ કરી લે, પોરો ખાઈ લે, પછી ચડજે ને! ક્યાં ઉતાવળ છે? પણ હવે ના તો પાડમાં યાર!! આવી તો ગયું, હવે તને શું પ્રોબ્લેમ છે?” મેં કીધું” યાર, હવે આ ૫૦ પગથિયાં મને ૫૦,૦૦૦ જેવા લાગે છે.” તો મને ક્યે “મોટા, જો હવે તારે ૫૫૦૦ પગથિયાં પાછા ઉતરવા કે આ ૫૦ પગથિયાં ચડીને ત્યાંથી રોપ-વેમાં નીચે ઉતરવું? તું નક્કી કરી લે. તારે ઉતરી જાવું હોય તો હાલ ઉતરી જઈએ, મને કંઇ વાંધો નથી હો..ને ખંધુ હસ્યો.”
મને ક્યે “લાવ ગાંડા, તારી બેગ લાવ. તને એક મસ્ત છેલ્લો માવો બનાવી દઉં. એટલે તને આ ૫૦ પગથિયાં ચડવાની તાકાત મળી જાય.પછી તો આમ પણ તારે ક્યાં ખાવા છે? મેં કીધું હા બનાવ-બનાવ, ખાઈ નાખું હાલ…”. આજે જ્યારે મેં રાજકોટથી મુસાફરીની શરુઆત કરી, એ પેલાજ નક્કી કરી લીધું હતું કે ‘જો હું અંબાજી ચડી જાઇશ, તો ત્યાં માતાજી પાસે સોપારી મૂકીને આવીશ. અને શરત પણ એવી કે જો પાછી સોપારી ખાવી હોય, તો પાછું ગિરનાર ચડી ને માતાજી પાસે જવાનું. એક લાસ્ટ માવો એટલે પણ રાખેલો કે ત્યાં માતાજી સામે વેરીને આવવાનો હતો. ‘ને બસ, પછી સોપારીને હાથ નહીં અડાડવાનો(સોપારી ને તિલાંજલી). મને ખબર હતી કે આ સોપારી મૂકવી, એ મારા માટે અંબાજી સુધી ચડવા કરતા પણ ૫૦૦ ગણો અઘરો ટાસ્ક હતો. પણ બસ કરવું છે તો કરવું છે. આપણા જ મનના જો આપણે ગુલામ થઈને રહીએ, તો બીજાને તો શું કહેવું? એટલે મારા મન પર મારે જીત મેળવવી હતી. એ મક્કમ પણે નક્કી કરી લીધું હતુ. બે વાતમાં મારે આજે જીતવું જ હતું, એક તો આ અંબાજી સુધી ગિરનાર ચડવામાં અને બીજું સોપારી સદંતર મૂકીને…’ તેજસે મને મસ્ત માવો બનાવી આપ્યો, ‘ને હું એ ખાઈ ને ફરીથી મોટેથી “જય ગિરનારી” બોલી ને ૫૦ પગથીયા ચડવાનું શરુ કર્યું…અમે એક્ઝેટ ચાર વાગ્યે ને ત્રણ મિનિટે અંબાજી માતાના પટાંગણમાં પહોંચી ગયા…
અંદરથી યસ યસ યસ! આઈ ડીડ ઇટ…એવો અવાજ આવ્યો. અને આમ એક મોટેથી ચીસ પાડવાનું મન થયું…કે અંબે માત કી જય.. મેં પહોંચતા ની સાથે જ તેજસ ને કીધું “મોટા ૪૨ ના બુઢ્ઢા નથી હો. આપણે હજી ૪૨ ના બાબલા જ છીએ.” તો તેજસ ક્યે “એમ કાંઈ હોય ગાન્ડા.” ‘ને ઈ મને દોડીને હસતા-હસતા ભેટી પડ્યો. ઘણી હિંમત બતાવી, ઘણી મુશ્કેલી પણ આવી, એક ટાઈમે એમ પણ હતું કે નહીં ચડી શકાય, હવે બસ.પરંતું ઓલ ઇન ઓલ, મેં કરી બતાવ્યું. એનો મને અપાર આનંદ હતો . કોઈને બતાવવા માટે નહીં, પણ મારી જાતને મારા નેગેટીવ વિચારોને હરાવવા, મેં કર્યું હતું ને હું સફળ થયો. એમ લાગ્યું કે મેં એક માનતા કરી હતી ને એ સફળતાપૂર્વક પાર પાડી. માતાજીએ મને માનતા પુરી કરવાની હિંમત આપી. થેન્ક્યુ ઓલ! થેંક્યુ વેરી મચ…
જયારે આખી દુનિયા, તમારા નજીકના દરેક વ્યક્તિ તમને હારેલા જોવા માંગતા હોય, તમારા પર હસવા માંગતા હોય (સિવાય મારો શિવમ) અને તમે ખુદ પણ તમને પોતાને હારેલા, થાકેલા, confused ગણતા હોય છતાં એક સાહસ કરો ‘ને તમે જીતી જાવ તો શું મહેસુસ થાય?? બસ આજે કંઈક આવું જ અનુભવ્યું… જયારે મેં ગિરનાર પર્વતના ૫૫૦૦ પગથિયાં ચડીને અંબાજી માતા એ પહોંચ્યો… What a nice feeling, I am top of the world!! જાણે સાચે જ માતાજીના ખોળે આવી ગયો હોય, એમ સવારે ૪ વાગ્યે તેજસના ખોળામાં માથું મુકીને મસ્ત સુઈ ગયો…
ઉઠીને તેજસને કીધું “તેજલા, આ ૧૫-૨૦ મિનિટના જોલામાં તો જો મને મોજ આવી, બે કલાકથી સુતો હોય એવુ ફીલ થાય છે. તો ક્યે “મારાથી હમણા કાંઇક બોલાઈ જાશે…તું બે કલાક થી જ સૂતો છે હો… તારી સગી ૬ઃ૧૦ થઈ. મારા પગ દુ:ખવા માંડ્યા. હાલ હવે ઉભો થા, આપડે ચા પીએ. પછી મે મોઢું ઉટક્યું અને અમે ચા પીધી. હવે અમારે છોકરા આવે, એની રાહ જોવાની હતી. પછી જ દર્શન કરવાના હતા. પણ મંદિરે જે ભીડ હતી ઓહ! વાત ના પૂછો. મેં નક્કી કરેલું કે, અહીં માતાજી પાસે સોપારી મૂકી દેવી. એક માવો માતાજીના પટાંગણમાં વેરવા માટે રાખ્યો હતો. તેજસને કીધું કે, “હું માવો વેરું એવું સ્લો-મોશન બનાવ, આપણે મોતી વેરાણા ચોકમાં… સોંગ મૂકીને સ્ટેટસ બનાવીશું”.
તો ક્યે “મોતી વેરાણા નહીં, માવો વેરાણો ચોકમાં એમ ગાય ને આપણે મુકીશું.” બસ, મેં સોપારીને આ રીતે તિલાંજલી આપી દિધી.
પછી અમે મંદીરની આગળના ભાગે રોપ-વે સાઈડ પૂછવા ગયા. એક સરસ મેડમ બેઠાં હતા. મે હળવેકથી પુછ્યું, ” મે’મ! અમારે નીચે જવું હોય તો ટિકિટ ક્યારે લેવાની? અમારે એડવાન્સ બુક કરાવવું પડશે?” અને પૈસા આપ્યા. મેડમ બોલ્યા “ક્યારે નીચે ઉતરવું છે તમારે?” મેં કીધું “દર્શન થઈ જાય, પછી બે ત્રણ કલાકમાં ૧૧ઃ૦૦ વાગ્યાની આસપાસ.” તો મેડમ ક્યે “અત્યારે ટિકિટ લઈને શું કરશો? ત્યારે આવજો, આપી દઈશ.” મેં કીધું “મેડમ જોજો હો! હું પગથીયા ચડીને અંબાજી આવ્યો છું, હવે ઉતરી શકાય એવી કોઇ ત્રેવડ રહી નથી. પછી અમે આવીએ ‘ને ના પાડશો કે રોપ-વેમાં હવે બુકિંગ બંધ છે. તો? મેડમ ક્યે ના ના, જાવું હશે ત્યારે થઈ જશે.” મેં કીધું “ઓ.કે. થેંક યું.” અને મેં પાછળ વળીને તેજસ ને કીધું કે, “હેં મોટા, એવું ના થઈ શકે કે આપણે જ્યારે ઉતરીએ ત્યારે આ રોપ-વે ના ડબ્બામાં આપણે બે જ હોઈએ, તો ઉતરવાની કેવી મજા આવે કાં”? તો ક્યે, “હકન, થાય ને! તું આઠ જણની ટિકિટના પૈસા આપી દે, એટલે આખા ડબ્બામાં આપણે બે જ જઈએ, એવું થઈ જાય”. મેં કીધું, “ના ના, છ અજાણી વ્યક્તિ સાથે સફરની મજા જ કંઇ અલગ છે, બે જણાએ શું જાવું કાં?”..હા હા હા.
રોપ-વે થતાં અંબાજીએ ઘણી બધી નવી સગવડ થઈ ગઈ હો. મજાના સેલ્ફી-પોઇંટ્સ બનાવ્યાં છે. ટુંકમાં તમારે એકાદ-બે કલાક કોઇની રાહ જોવાની હોય, તો તમારો સમય આરામથી પસાર થઈ જાય..જો કે મારે અને તેજસને સમય પસાર કરવા કોઇની ક્યારેય જરુર પડી જ નથી…એમ.સી.એ. ની હોસ્ટેલની અગાસીના તુટેલા ખાટલાથી લઈને રાજકોટ-જામનગર હાઇવે પર જય દ્વારીકાધીશ હોટેલની તુટેલી ખુરશી સુધી અમે સવારો સવાર બંને જણ વાતો કરી શકીયે, એટલી વાતો અમારી પાસે અખંડ પડેલી જ હોય છે. પરંતુ આ અમારા માટે સફર જરા અનોખી હતી.
મે તો ગિરનાર જઇને ફોટો પડાવવા માટે પુરે-પુરી તૈયારી કરેલી. ૩ ટી-શર્ટ, અને ૩ જોડી ચશ્મા લઇને આવ્યો હતો…તો મે તેજસ પાસે અલગ અલગ પોઝ આપી અને અઢળક ફોટા પડાવ્યા…બીજા જુવાનીયાઓ પાડતા હતા. તો એની પાસે પણ ફોટા પડાવીને ત્યાં ને ત્યાં જ મારા મોબાઇલમાં શેર કરાવ્યા. અને અમારે બીજી એક શાંતિ ઈ, કે હું અને તેજસ સાથે હોઇએ એટલે અમારે હાસ્ય ગોતવા ન જાવુ પડે.. આપો આપ કાંઇક એવી ઘટના ચોક્કસ પણે બને જ કે અમે હસી હસીને લોટ-પોટ થઈએ..ત્યાં પણ અમે જોર જોરથી હસતા હતાં…એટલામાં મારા ફોનની રીંગ વાગી….શિવમ હતો.. “માસા હાલો અમે આવ્યા હો, તમે ક્યાં છો?” મે કીધુ, “બસ બે જ મિનિટમાં આવીયે”, તો ક્યે,” મંદિરની પાછળની સાઇડમાં, દતાત્રેય જવાના પગથીયા પાસે ચા-નાસ્તાની દુકાનો છે ને, ત્યાં બાકડે બેઠા. આવો જલદી.” ..અમે ફટાફટ પહોંચ્યા.
હજી હું બાકડે બેઠો ત્યાં, શિવમ “માસા હાલો ટીપાં નાખવાને?? ૬ કલાક ઉપર થઇ ગઇ હો…” મે કીધું, એલા અહીં કેમ નાખશું? તો ઓલો જયલો ફુલ થાકેલો. તો’ય ક્યે,” લે માસા, બાકડે બેઠા બેઠા”..ત્યાં ગુંજન બોલ્યો,”કાકા આપડે ક્યાં ઇંજ્ક્શન મારવું! કે જાહેરમાં ના મારી શકાય. આપડે તો આંખ માં ટીપા જ નાખવા છે ને!” …અને બધા હસ્યા..મે કીધું,” એક શરત. ટીપા નંખાઇ જાય પછી ઋષિ બધાને ચા પાઇ, તો જ ટીપા નાખવા” …ઋષિ ક્યે, “ભાઇ આપડી પાહે હવે સુટ્ટા રુપિયા નથ હો”… આગલી રાત્રે રાજકોટથી નીકળ્યાં ત્યારથી ક્યાંય પણ કાંઇ ખાઇએ-પીયે એટલે ઋષિ આવે, “માસા, મારી પાસે છુટ્ટા છે, હું રુપીયા આપી દવ?” હું કવ કે ના-ના આપું છું, મારી પાસે છે. આવુ ૨-૩ વખત થયું એટલે શિવમનો મગજ હલ્યો હો..પછીથી કાઇ પણ ખાઇએ-પીયે,એટલે ક્યે, “ઋષિયા લાવતો છુટ્ટા…લોઇ પી લીધા હો ઋષિના..અને,” છેલ્લે હવે તેજસ એક માત્ર એવો વ્યક્તિ હતો કે જેની પાસે છુટ્ટા રુપિયા હતા. એટલે એ બોલ્યૌ કે “ભાઇ તું ટીપા નાખી લે, હું ચા પીવડાવી દઈશ…ટીપા નાખી, ચા પીધી અને મંદિરે લાંબી લાઈન હતી, છતાં મસ્ત દર્શન કર્યા.
દર્શન કર્યા પછી તેજસે બધાને કહ્યું કે જો હવે ફોટા પાડવાના હોય તો ટાઇમ બગાડ્યા વગર સીધા સેલ્ફી પોઈન્ટ જાયે..કેન્ડીડ ફોટોગ્રાફર(જયલો)ની ટેટી પાકી ગઈ હતી. છતાં ક્યે, “હાલો હાલો.” એને ફોટા તો પાડવા જ હતા. એટલે મસ્ત ફોટા પાડ્યા અને એ ચારેયને સલાહ-સુચના આપી, કે શાંતિથી ઉતરજો, અજડાઇ કર્યા વગર. ભલે વાર લાગે. આપડે રાજકોટ પાછા જાવાની કોઈ ઉતાવળ નથી. પછી “જય ગિરનારી” કહી હું અને તેજસ રોપવે સાઈડ ગયા.
ત્યાં પેલા મેડમ પાસેથી બે ટિકિટ લીધી અને અંદરની બાજુ, જ્યાં રોપ-વેની કેપ્સ્યુલ આવે, ત્યાં ગયા. ઓલુ ક્યે ને “કિસી ચીઝ કો અગર શીદ્દત સે ચાહો તો ઉપર વાલા આપકો વો દેને કી ટ્રાય કરતા હૈ…” એની જેમ જેવા અમે અંદર ગયા, એક ખાલી કેપ્સ્યુલ આવી અમે બંને એમાં બેસી ગયા અને અમારી પાછળવાળા હજી સખળ- ડખળ કરતા ભેગા થાય, એ પહેલા કેપ્સ્યુલના દરવાજા બંધ થઈ ગયા…હા હા હા. અને તેજસ બોલ્યો, ” લે મોટા! ભગવાને તારું સાંભળી લીધું. આખી કેપ્સ્યુલમાં આપણે બે જ રહ્યાં”..હા હા હા.
અને અમે, જે મોજ કરી રાડા-રાડી કરી મુકી, વિડીયો લીધા, ફોટો લીધા, સ્લો મોશન, અદ્ભુત નજારાને કેમેરામાં જીવનભરની યાદ બનાવીને કેદ કર્યા. બસ!!!! આ હતી અમારી અલૌકિક ગિરનારી સફર…
સાહસ કરો, તો કોઈ ઉંમર નાની નથી. એ અમે બંનેએ અનુભવ્યું. એક અલગ પ્રકારની જીતની ખુશી હોય, એવી સ્માઈલ બંને ના ચહેરા પર સાફ દેખાતી હતી. ઉતરીને એકબીજાને મસ્ત ટાઈટ હગ કરીને કીધું “હજી આપણે જુવાન જ છીએ મોટા” …હા હા હા.
આ સફરનું મનોમંથન કરીને તારણ કાઢીએ તો, હું આટલી વસ્તુ ખુબજ સારી શિખ્યો…
૧. તમારી પાસે એક પોઝીટીવ માણસ હોય તો, એ તમને જે સાહસ કરવામાં બીક લાગતી હોય, એમાં હિમ્મત પુરી પાડવાનું કામ કરે છે.
૨. નિ:સ્વાર્થ પણે, અજાણ્યા લોકોની તરસ છીપાવી, सेवा परमो धर्मः સુત્ર સાર્થક કરવું.
૩. આપણે આપણાં મનનાં ગુલામ બનીને જીવવાની કોઈ જરુર નથી…હિમ્મત કરો, ભગવાન હંમેશા મદદ કરશે જ, મને વિશ્વાસ છે.
૪. જીંદગીમાં એક એવો મિત્ર હોવો જોઇએ જે તમને કોઇ પણ પરિસ્થિતિમાં એક પણ સવાલ વગર સાથ આપે.
૫. તમે જો મનથી બુઢ્ઢા નથી તો તમે ગમે તે ઉમરે મસ્ત જુવાન જ છો.
મે મનોમન એવું નક્કી કર્યુ કે દર વરસે ડિસેમ્બરમાં એક વખત જો જવાય, તો આમ જ આ બધાને સાથે લઈને અંબાજી સુધી પગથિયા ચડીને જવું.
તો આ હતી મારી અલૌકિક ગિરનારી સફર..
અસ્તુ…