અપેક્ષા ની ઓળખાણ
અપેક્ષા શબ્દ એટલો મોટો છે કે નામ લેતાં પણ ભાર લાગી જાય. સામાન્ય રીતે જ્યારે એની ચર્ચા થાય ત્યારે એક વાત અચૂક થાય કે ગમે એટલી કોશિશ કરીએ પરંતુ સંબંધ થોડો જૂનો થાય એટલે અપેક્ષા આપોઆપ એનું સ્થાન બનાવી લેતી હોય છે.
કોઈ પાસે તમે કેટલી અપેક્ષા રાખી શકો? અને કેટલી રાખવી જોઈએ? એ ગણીત મને આજ દિવસ સુધી સમજાતું જ નથી..એક બાળક તરીકે મા-બાપ પાસે શું અપેક્ષા રાખી શકાય? કે એક મા-બાપ તરીકે બાળક પાસે શું અપેક્ષા રાખી શકાય? એક પતિ તરીકે પત્ની પાસે થી શું અપેક્ષા રાખવી? અને એક પ્રેમી તરીકે? અથવા તો એક એવી વ્યક્તિ પાસે આપણે શું અપેક્ષા રાખવી જે ફક્ત આપણીજ છે એવો અહેસાસ એ કાયમ કરાવતી હોય?
અઘરું છે નહીં અપેક્ષાઓ નું માપદંડ. કેટલા બધા વક્તાઓ ને એવું કહેતા સાંભળ્યા છે અને કેટલા બધા લેખકોને એવુ લખતા વાંચ્યા છે કે અપેક્ષા વગર કરેલો પ્રેમ જ સાચો પ્રેમ છે.. ખરેખર? એવું શકય છે કે તમે કોઈને અઢળક પ્રેમ કરતા હો અને એની પાસેથી તમે કોઈ જ અપેક્ષા ના રાખો? હું અલગ છું.. હું સંમત નથી આ વાત થી. હું તો એવું કહીશ કે જો તમને સામેની વ્યક્તિ પાસે થી સારા વર્તનની, તમારા માટે સારા શબ્દોની કે થોડી લાગણીની અપેક્ષા જ નથી તો એ તમારો સંબંધ સાચો સંબંધ જ નથી…
અપેક્ષા ત્યાંજ હોય જ્યાં પ્રેમ હોય કે લાગણી હોય બાકી એવી ફિલોસોફી શું કામની કે પ્રેમ કર્યા કરો અને સામે વાળા પાસેથી પણ પ્રેમ મળે એની અપેક્ષા ના રાખો? એ કેવી રીતે શક્ય છે? મને તો એ સમજાતું જ નથી.. તમે કોઈને સતત કેટલો સમય કોઈ પણ અપેક્ષા વગર પ્રેમ કરી શકો? કે જયારે સામેથી કોઈ પ્રત્યુત્તર ના મળે? સીવાય કે મેણા-ટોણા અને તમારી બધીજ બાબતમાં તમે કરેલ ભૂલો નું એક લાંબુ લીસ્ટ?? અને છેલ્લે હંમેશા સોરી? શું ખરેખર આપણે જેને અનહદ પ્રેમ કરતાં હોઈએ તેની પાસે થી ક્યારેય સોરી (sorry) ની અપેક્ષા હોય શકે?
અપેક્ષા એટલી પણ ના રાખો કે સામેની વ્યક્તિ ને મુંજારો થવા માંડે એ વાત માં હું ૧૦૦% સંમત છું પરંતું થોડી અપેક્ષા તો રાખવીજ.. દરેક મા-બાપ એવી અપેક્ષા સેવતાજ હોય છે ને કે મારુ સંતાન મોટુ થઈ ને આ બને કે આમ કરે અને જ્યાં પણ હોઈ ત્યાંથી હંમેશા દિવસ માં એક વખત અચુક વાત કરે તો એમા ખોટુ પણ નથી ને, દરેક સંતાન એવુ ઇચ્છતું હોઈ છે કે એક ઉમર પછી મારા મા-બાપ મને સમજે તો એ અપેક્ષા કરવી પણ કંઈ ખોટી તો નથીજ ને? દરેક પતિ – પત્ની પણ એવુ જ ઇચ્છે કે હું જેની સાથે જીવનભર જોડાયેલ રહું એ મને હંમેશા સમજે રિસ્પેક્ટ કરે અને સાચા અર્થમાં જીવનસાથી બની ને રહે તો આ પણ એક પ્રકારની અપેક્ષા જ તો છે ને?
Expectations are good at some point when relationships are not going well..
અને એ સમયે જો સામેની વ્યક્તિ ની અપેક્ષા ને ઓળખી અને એના મુજબ વર્તન કરવામાં આવે તો સામેની વ્યક્તિ
બધુજ ભૂલી અને ફરીથી તમારી થઈ શકે…
અત્યારના સમયમાં જે હું જોઈ રહ્યો છું કે ગળાડુબ પ્રેમ માં હોય એવી બે વ્યક્તિ લગ્ન કરે અને પછી થોડાજ સમય માં એકબીજાને ગમતા બંધ થઈ જાય અને છેક છુટ્ટાછેડા સુધીની નોબત આવે છે એવું કેમ? અપેક્ષા કાંઈક અલગ હશે ને મળ્યું કંઈક અલગ એમજ સમજવું રહ્યું ને? ખરેખર તો આપણે સાચા અર્થ માં જે આપણા છે એને ઓળખવામાં હંમેશા થાપ ખાઈ જતા હોઈએ છીએ એવું નથી લાગતું? અને ખોટા દેખાડા કરે એની પાછળ પાગલ હોઈએ છીએ અને જયારે એ વ્યક્તિ ની વાસ્તવિકતા સામે આવે ત્યારે અંદરથી ભાંગી જતા હોઈએ છીએ અને છેલ્લે સંબંધનો અંત.. બસ પુરુ. અનહદ પ્રેમ, જેના વગર જીવન શક્ય નથી એવા વિચારો મા લીન હોઈએ અને ભગવાન ના કરે એ વ્યક્તિ જ્યારે આ દુનિયા માં નહિ હોય ત્યારે મારુ શું થશે એવો વિચાર તમને વિચલિત કરી દેતો હોઈ એવી વ્યક્તિ થી આપણે એકજ ઝાટકે છુટકારો માંગવા લાગીયે આવું કેમ બને છે? અપેક્ષા જ હોય છે આના મૂળમાં. મે આટલુ કર્યું પરંતુ સામેની વ્યક્તિ ને મારુ કંઈજ મહત્વ નથી અને આ જે કદર ના થયા ની લાગણી છે ને એજ સંબંધો નો અંત નક્કી કરે છે…
કોઈ પણ વ્યક્તિ આપણી સાથે જોડાઈ ને આપણી સાથે લાગણીવશ વ્યવહાર કરે ત્યારે આપણી ફરજ છે કે એ આપણી પાસેથી શું અપેક્ષા રાખે છે એ નીરખી ને જોઈએ. ભલે દરેક વખતે ના બની શકે પણ ૧૦ વખત માંથી ૨ વખત પણ જો એના મુજબ વર્તન કરીશુ તો પણ એને રાજીપો રહેશે કે મારી લાગણીને એ સમજે છે અને મારી અપેક્ષા ની એને કદર તો છેજ.
મારી જીવવાની રીત આ લોકડાઉન પછીથી ઘણા અંશે બદલાઈ ગઈ ઘણા બધા લોકોએ બદલીજ હશે રૂપિયા પાછળ ની ગાંડી દોટ આપણા પરિવાર ને સુખમય જીવન આપવા માટે ની દોડાદોડી એ આપણને એજ ભુલાવી દિધું છે કે પરિવાર ના કોઈ પણ સભ્યને આપણા રૂપિયા કરતા આપણો એની સાથે વિતાવેલો સમય વધારે વહાલો છે… એ લોકો સાથે પ્રેમ થી બે વાત કરો બેસો અને એની અપેક્ષા મુજબ દિવસ માં એકાદ બે વખત વર્તન કરો એટલે એ સુખીજ છે…એ લોકોના હાથમાં લાખો રૂપિયા આપવાની કોઈ જરૂર નથી…
દરેક ડીયર વન્સ એ મિત્રો હોય, પ્રેમી-પ્રેમીકા હોય મમ્મી – પપ્પા હોય ભાઈ – બહેન હોય કે દિકરો – દિકરી હોય દરેકને તમારા રૂપિયા કરતા તમારો એમની સાથે વિતાવેલો સમય વધારે કીમતી છે. અને દરેક એવી વ્યક્તિ જે તમને દિલથી ચાહે છે અને જેના માટે તમેજ એની દુનિયા છો એવા લોકોને ઓળખતા શીખવું અને એની અપેક્ષા મુજબ ક્યારેક વર્તન કરવું એ આપણી નૈતિક જવાબદારી કે ફરજ છે એવું મને લાગે છે…
હા બધા મારી વાત થી કદાચ સંમત ના પણ થઈ શકે અને હું બધાને સમજાવવા પણ નથી માંગતો હું ફક્ત મારા અંગત લોકો માટે જ લખુ છું બધા સમજે તો મને ખુશી થશે પરંતુ એ જરુરી નથી કે બધા સમજેજ.. જે લોકો મને પોતીકો ગણે છે ને જે મારા માટે સ્પેશિયલ છે એમને તો ચોક્કસ પણે કહીશ કે આ વાત ને આજથી જ જીવન મા અપનાવો ખરેખર કામ લાગશે જ. અને જો આવું કરવાથી કાઈ ના મળે તો પણ સામેની વ્યક્તિ ને એના મુજબ વર્તશો ત્યારે એના ચહેરા પર જે સ્મિત આવશે એ જોયા પછી લાખ્ખો રૂપિયા મળ્યાની અનુભૂતિ ચોક્કસ પણે થશે થશે ને થશે જ.. માટે આજથી જ અપેક્ષા ને ઓળખતા શીખીએ અને એ મુજબ વર્તન કરતા પણ શીખીએ…
અપેક્ષાઓ હંમેશા એટલી પણ ના રાખવી કોઈ પાસે કે સામે ની વ્યક્તિ એ પુરીજ ના કરી શકે પણ એવું પણ ના થવું જોઈએ કે સામાન્ય અપેક્ષા માં પણ તમે ફેઈલ થઈ જાવ…
લાગણી/પ્રેમ/માન + સામેની વ્યક્તિની અપેક્ષા મુજબ નું વર્તન = સુખી જીંદગી 😘❤️😘
અસ્તુ